૮.
“મમ્મી, એ બીજી નોકરી શોધે છે અને એમને મળી પણ જશે. પણ હું વિચારું છું કે હુંય ક્યાંક કામ શોધું તો? મમ્મી હું ઘણા દિવસોથી તમને કહેવાનું વિચારી રહી હતી, પણ એ કદી માનશે નહિ એથી કશું બોલી ન હતી.” એક દિવસ સીમાએ ધીરે રહીને સુધાબેન સામે વાત ચલાવી.
“તારે નોકરી કરવાની શી જરૂર છે? વિકાસ આજે ઘરે બેઠો છે પણ એને નોકરી મળી જશે. આજે જ જ્યાં ગયો છે ત્યાં મળી જશે એવું લાગે છે.” સુધાબેને જવાબ આપ્યો. એમના ચહેરાના ભાવ સ્પષ્ટપણે કહેતાં હતાં કે એમને સીમાની વાત પસંદ આવી નથી.
“મમ્મી ભગવાન બધું સારુંજ કરશે. પણ હું ફક્ત એટલુંજ કહેવા માગું છું કે હુંય જો કામ કરું ને ચાર વધારાના પૈસા મળે તો એમને પણ થોડી રાહત થાય ને? તમેજ કહો મમ્મી, છેલ્લા થોડા દિવસોથી એ કેટલી ચિંતામાં રહે છે? સરખું ખાતા-પીતા પણ નથી. હમેશા ચિંતામાં ડૂબેલા રહે છે. અને હું પણ એવુંજ કામ શોધીશ ને કે જેથી ઘરનું બધું સાચવીને બહાર જવાય.
હવે શ્વેતા પણ ૩ વર્ષની થઇ ગઈ છે. મારા વગર રહી શકે છે. થોડા દિવસમાં એ પણ નિશાળે જવા લાગશે.
મમ્મી મારાપર વિશ્વાસ રાખો. મને તમે આજ સુધી વહુ નહિ દીકરીની જેમ રાખી છે. આજે આ દીકરી કાંઈ માગે છે તો એને ના નહિ કહો. તમને કદી અફસોસ નહિ થાય કે તમે મને નોકરી કરવાની રજા આપી છે.”
સુધાબેન વિચારમાં પડી ગયાં. એમણે સીમાસામે જોયું અને એમને લાગ્યું કે જાણે સામે સીમા નહિ પોતેજ ઉભાં છે અને પોતાની કોઈ ઈચ્છા પૂરી કરવા કરગરી રહ્યાં છે.
૯.
૧૭ વર્ષની ઉમરે જયારે સુધાનાં લગ્ન લેવાયાં ત્યારે એણે મેટ્રિક પાસ કરી લીધું હતું. એને આગળ ભણવાની ખુબ ઈચ્છા હતી. એણે એના પિતાજીને કહ્યું પણ હતું કે એને આગળ ભણવું છે, અત્યારે લગ્ન નથી કરવાં. પણ પિતાજીની ઈચ્છા સામે એનું કાંઈ ચાલ્યું નહિ.
લગ્ન પછી જીન્દગી રસોડાની ચાર દિવાલમાં બંધ થઇ ગઈ. પછી બાળકો થયાં. વિનુભાઈ કડક સ્વભાવના. સ્ત્રીઓ ઘરમાં રહે અને ફક્ત ઘર અને બાળકો સાચવે એવી વિચારસરણીવાળા.
પતિ અને સાથે દીકરો. સુધાબેનનું આખું જીવન પતિ અને બાળકોની સગવડ સાચવવામાં નીકળી ગયું.
પહેલા પિતા, અને પછી, પતિ અને દીકરો જે કહે એ પૂર્વ દિશા.
પોતાની કોઈ ઈચ્છા હોય, એ પૂરી કરવામાટે કોઈ મદદ કરતું હોય, એ વાત સુધાબેન જાણે ભૂલી ગયાં. એમની ઈચ્છા કદી કોઈએ પૂછી જ ન હતી. એમની સગવડ કદી કોઈએ સાચવીજ ન હતી.
૧૦.
આજે સુધાબેન સીમાની વાત સાંભળી ખળભળી ઉઠયાં. વારંવાર સીમાનો અવાજ એમને સંભળાઈ રહ્યો હતો. “મમ્મી જ્યારથી હું આ ઘરમાં આવી છું ત્યારથી એમની કે તમારી ઈચ્છા વિરુદ્ધ કાંઈ કર્યું નથી. ક્યારેય કશું માગ્યું નથી. ક્યારેય કશું કહ્યું નથી. પણ ઘરની ચાર દીવાલો વચ્ચે મારો જીવ ગૂંગળાય છે. મારે કાંઈ કરવું છે. પૈસા માટે નહિ પણ મારા પોતાના માટે.”
અને આજે લગ્નને ૪૦ વર્ષ પછી સુધાબેને પહેલો નિર્ણય લીધો. પોતાની ઇચ્છાથી, પોતાની મરજીથી.
સીમા કામ કરશે. એ નોકરી શોધે પછી એને જોઈતી બધીજ મદદ પોતે કરશે. અને એમણે સીમાને કહ્યું “સીમા, હું તારી સાથે છું. તને જોઈતી બધી મદદ હું કરીશ. તું નોકરી શોધ. વિકાસને અને એના પિતાજીને હું સમજાવીશ.”
૧૧.
સીમા રોજ છાપામાં જાહેરખબરો જોતી હતી. એક દિવસ શર્માજીની એસ. કે. કેમિકલ કંપની ની જાહેર ખબર જોઈ એણે પોતાની પહેલી એપ્લિકેશન તૈયાર કરી. સાથે કોમ્પ્યુટર ક્લાસ નું સર્ટીફીકેટ બીડ્યું. ભગવાનનું નામ લઇ એ શર્માજીની ઓફિસે પહોંચી.
પોણા કલાક પછી જયારે એ શર્માજીની ઓફીસમાંથી બહાર આવી ત્યારે ખુશખુશાલ હતી. એનું સ્વપ્ન પૂરું થવામાં હતું. સાથેજ હવે એના સંઘર્ષની શરૂઆત પણ હતી.
ઘરે જયારે એણે નોકરીની વાત કહી ત્યારે સુધાબેન ખુબ ખુશ થયાં. વિનુંભાઈએ ખાસ કાંઈ પ્રતિક્રિયા નાં આપી.
વિકાસે કહ્યું “ હવે થયું ને તારી મરજી પ્રમાણે? ખુશ છે ને તું”
સીમાએ સુધાબેને શીખવ્યા પ્રમાણે જવાબ વાળ્યો “હા. હું ખુશ છું અને વધારે ખુશ તો એટલામાટે કે તમે મારી ખુશી માટે મને નોકરી કરવાની હા પડી છે.”
વિકાસને પણ બીજી જગ્યાએ સારી નોકરી મળી ગઈ હતી અને સુધાબેનનો સીમાને સાથ છે એ વાતને લીધે એનો સીમાની નોકરી સામેનો વિરોધ ગયાં થોડા દિવસમાં મોળો પડ્યો હતો.
૧૨.
નોકરીનો પહેલો દિવસ સીમા ક્યારેય ભૂલી ન શકશે. ૯ વાગ્યે ઓફીસમાં પહોંચી એણે શર્માજીને જ મળવાનું હતું. શર્માજીએ એણે આવકારી. ઓફિસમાં એની જગ્યા બતાવી. બીજા કર્મચારીઓ સાથે ઓળખાણ કરાવી. અને કામ સમજાવવાની શરૂઆત કરી.
હજી કંપની નાની હતી. દરેક વિભાગ માટે જુદા માણસો રખાય એમ ન હતું. સીમાએ શર્માજીની સાથે રહીને હિસાબ અને પગાર પત્રકનું કામ સંભાળવાનું હતું.
શર્માજીએ એણે એક લીસ્ટ કોમ્પ્યુટરમાં એન્ટર કરી એનું પ્રિન્ટ લાવી દેવાનું કામ સીમાને આપ્યું.
ઘણા દિવસો પછી કોમ્પ્યુટરને હાથ લગાડ્યો હતો. સીમા લગભગ અડધા દિવસ સુધી કોમ્પ્યુટર સાથે ગડમથલ કરતી રહી અને બપોર પછી એ લીસ્ટ લઇ શર્માજી પાસે ગઈ.
શર્માજી લીસ્ટ સામે જોઈ રહ્યા અને પછી કહે “સીમાજી આ કામ તો ૧૦ મીનીટનું હતું. આટલી વાર? હવે કામ ઝડપથી પતાવતા શીખો.”
સીમાની આંખમાં આંસુ આવી ગયાં.
હસીને શર્માજીએ કહ્યું ‘સીમાજી આમ રડો નહિ. હજી તમે નવાં છો. મહેનત કરો એટલે શીખી જશો.”
સીમાએ કહ્યું “સાહેબ હું મહેનત કરીશ. તમને કદી કાંઈ કહેવતો મોકો નહિ આપું.”
૧૩.
“સીમાજી, કાલે આરતી કેમિકલવાળા લોકો સવારે ૧૦ વાગ્યે આવશે. એ પહેલા મને બધી હિસાબ જોઈશે. આ બધી ફાઈલો તૈયાર કરી આપો. જરૂર પડ્યે આજે સાંજે રોકાઈને પણ કામ પૂરું કરી ડો, કાલ પર કશું છોડો નહિ.” શર્માજીએ બપોરે સીમાને બોલાવીને કહ્યું અને સીમા કામે લાગી ગઈ.
નોકરીના ૬ મહિના થયા હતાં અને સીમા શર્માજી માટે જાણે જમાનો હાથ બની ગઈ હતી. બધી ફાઈલ તૈયાર કરીને એણે શર્માજીને આપી ત્યારે સાંજના ૫ વાગ્યા હતાં. સાંજે રોકાવાની જરૂર ન હતી.
રોજ સવારે ઘરના કામ, રસોઈ વગેરે કરી, શ્વેતાને તૈયાર કરી સીમા ૯ વાગ્યે ઓફિસમાં પહોંચી જતી હતી. જે દિવસે વધારે કામ હોય જમવાનું ઝટપટ પતાવી કામે લાગી જતી હતી.
સાંજે ઘરે પહોચી ફરી ઘરના કામો, શ્વેતા સાથે રમત, વિકાસ ઘરે આવે એટલે એના ચા-પાણી. બીજા દિવસ ની તૈયારી.
સીમાને જાણે દિવસના ૨૪ કલાક ઓછા પડતા હોય એવું લાગતું હતું.
સુધાબેનનો સાથ હતો એટલે સીમા ઘર અને નોકરી બંને સાચવી શકતી હતી.
સીમાને નોકરીમાં ૧ વર્ષ પૂરું થયું ને એણે પગાર પણ વધારી આપ્યો હતો.
વિકાસનો સીમાની નોકરી સામેનો વિરોધ પણ હવે મોળો પડ્યો હતો, કારણકે સીમાની નોકરીને લીધે એની જીંદગીમાં ફરક પડ્યો ન હતો.
સ્ત્રી જયારે કોઈ કામ માટે ઘરની બહાર નીકળે છે ત્યારે એ એક વધારાની જવાબદારી સ્વીકારતી હોય છે. ઘરની બહાર નીકળી કામ કરવું એટલે ઘરની, પતિની, બાળકોની, સગા-સંબંધીઓની, વ્યવહારની જવાબદારીમાંથી મુક્તિ - એવું સ્ત્રીને માટે કદીય હોતું નથી.
પુરુષ બહાર કામ કરે, પૈસા કમાય, ઘર ચલાવે એટલે સદીઓથી એને ઘરની રોજબરોજની જવાબદારીઓમાંથી મુક્તિ મળી ગઈ છે.
સીમા અને વિકાસ ઘરની બહાર જે કામ કરતાં હતાં એ સમાન પ્રકારનું હતું. પણ ઘરે આવ્યા પછી ચા પીવા માટે પહેલા સીમાએ ચા બનાવવી પડે, જયારે વિકાસના હાથમાં ચા નો કપ તૈયાર હોય.
પ્રશ્ન ફક્ત ચા નો નથી. પ્રશ્ન છે સ્ત્રી – પુરુષ વચ્ચેના ભેદભાવનો. વિચારસરણીનો.
સીમા એના જેવી અનેક સ્ત્રીઓની માફક આ ભેદભાવ ભરી દુનિયામાં આગળ વધવાનો પ્રયત્ન કરી રહી હતી. સુધાબેનનો સહકાર હતો એથી આ શક્ય બન્યું હતું.
સ્ત્રી જો સ્ત્રી ની દુશ્મન બને તો એક જન આત્મહત્યા સુધી પહોંચી જાય છે પણ જો સ્ત્રી જો સ્ત્રી ને સહકાર આપે તો સ્ત્રી ક્યાં થી ક્યાં પહોંચી જાય એનું સીમા ઉત્તમ ઉદાહરણ હતી.
૧૪.
ગાડી ચલાવતા સીમા વિચાર કરી રહી હતી. કંપનીની સાથે એણે પણ ખુબ પ્રગતિ કરી હતી. પત્ર વ્યવહારથી આગળ ભણવાનું શરુ કર્યું. કંપનીમાં એક એક બઢતી મળતી ગઈ. કંપનીએ એને કામ માટે પરદેશ મોકલી હતી. કંપનીએ ગાડી આપી હતી. અને હા.. સીમાના પ્રયત્નોથી અને સીમાએ કંપનીમાં અપનાવેલ નવી પદ્ધતિઓને લીધે કંપનીએ પ્રગતિ તો કરીજ હતી પણ સાથે સાથે એક રાષ્ટ્રીય અવોર્ડ પણ જીત્યો હતો.
અને આજે ૧૫ વર્ષ ની નોકરી પછી “લોંગ સેર્વીસ અવોર્ડ”.
૧૫.
સીમા ઘરે આવી.
વિકાસ, સુધાબેન, વિનુભાઈ અને બે દીકરીઓ શ્વેતા અને અનુષ્કા એના સ્વાગત માટે તૈયાર હતાં.
વિકસે એના હાથમાં એક આમંત્રણ પત્ર મુક્યું. સીમા ગામની જે શાળામાં ભણી હતી ત્યાં એણે મુખ્ય મહેમાન તરીકે એક સમારંભમાં આમંત્રિત કરી હતી.
૧૬.
કન્યા શાળાના સમારંભમાં સીમા મુખ્ય મહેમાન તરીકે બે શબ્દ કહેવા ઉભી થઇ.
“વહાલી બહેનો, મારી વહાલી દીકરીઓ. આજે આ શાળામાં આ પ્રસંગે આવતા હું ખુબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું.
હું અન્ય અનેક સામાન્ય ભારતીય સ્ત્રીઓની જેમ એક સામાન્ય, માધ્યમવર્ગીય સ્ત્રી છુ. આજે જીન્દગી માં મેં જે કાંઈ મેળવ્યું છે એ માત્ર અને માત્ર શિક્ષણને લીધે શક્ય બન્યું છે.
દીકરીઓ, ખુબ ભણો, ખુબ ખુબ શીખો. શાળાનો અભ્યાસ પુરો થઇ જાય તો પણ જિંદગીનો અભ્યાસ બંધ કરશો નહિ.
કોઈએ કહ્યું છે ને કે ભણતરથી વિશેષ કોઈ ભેટ નથી જે કોઈ માં- બાપ પોતાના બાળકોને અને હું કહીશ કે પોતાની દીકરીઓને આપી શકે.
આંખો અને વિચાર ખુલ્લા રાખી આ દુનિયાને જોતા અને સમજતા શીખો. પરિવર્તન લાવતા અને સ્વીકારતા શીખો તો કોઈ સુખ કદી ઓછું નહિ લાગશે અને કોઈ દુખ કદી મોટું નહિ લાગશે.
મંચ પરથી સામે પ્રેક્ષકોમાં બેઠેલા અમૃતલાલ સામે જોઈ એણે આગળ ચલાવ્યું. “ હું આજે જે કાંઈ છું એનું શ્રેય જાય છે મને ભણવાની તક આપનાર, મને સ્વપ્ન જોતા શીખવનાર મારા પિતાજીને. અને મારા સ્વપ્નને પૂરું કરવામાં મને હમેશા મદદ કરનાર, દરેક પરિસ્થિતિમાં અચલપણે મારી સાથે રહેનાર મારા મા સમાન સાસુજીને.
આ બે વ્યક્તિઓના સન્માન વગર મારું કોઈ સન્માન શક્ય નથી.
મારી સિદ્ધિ અને મારું સન્માન હું એમને અર્પણ કરું છુ.
મને અહીં બોલાવી, સન્માનિત કરી એ બદ્દલ આપ સહુનો ખુબ ખુબ આભાર.”
તાળીઓના ગડગડાટ વચ્ચે સીમાએ મંચ છોડ્યો ત્યારે પ્રેક્ષકોમાં બેઠેલા અમૃતલાલ અને સુધાબેનની આંખો આનંદના આંસુઓથી છલકાઈ રહી હતી.
Ghanu saras che...............amaj lakhati rahe
ReplyDeletevery nice.......................we also need to change the mind set that teaches women to take everything which is dished to them by the husband because Pati is supposed to be Parmeshwar.........
ReplyDelete