Sunday 11 March 2012

ત્યાગ

અનુએ જરા જોરથી ઘરની બેલનું બટન દબાવ્યું. અધીરાઈથી એ દરવાજો ખુલવાની રાહ જોવા લાગી. અંદરથી મમ્મીનો ધીરેથી ચાલવાનો અવાજ આવ્યો. એ ઉભી રહી. દરવાજો ખુલતાજ "હાય મમ્મી ! આજે એક ગ્રેટ ન્યુઝ છે." કહી પર્સ સોફા પર નાખ્યું.

પછી એની નજર બાથરૂમ બહારના વોશિંગ મશીન પર પડી અને સિંકમાં પડેલા વાસણો જોઈ અનુનો મુડ અને અવાજ બંને બદલાઈ ગયા.

"હે ભગવાન ! બાઈ આજે પણ આવી નથી!  આમ કેટલા દિવસ ચાલશે? " - કામવાળી બાઈ આજે ફરી આવી ના હતી.

"પણ શું ગુડ ન્યુઝ છે એ તો કહે ને ?" મમ્મીએ પૂછ્યું. અને અનુ ફરી ઉત્સાહિત થઇ ગઈ.

"મમ્મી મારા મેનેજરે પૂછ્યું છે કે મને ૩ મહિના માટે અમેરિકા જવાનું ફાવશે કે ? અમારા પ્રોજેક્ટ માટે ત્યાં જવું પડે એમ છે. જેમ બને એમ જલદી  નીકળવું પડશે. વિસા મળે એટલે તરત. મેં કહ્યું છે કે ઘરે વાત કરીને કાલે જણાવીશ. તમારી સાથે અને આનંદ સાથે એક વાર વાત કરી લઉં પછી કાલે હા કહીશ એમ વિચાર્યું છે. બબલુંનું કેમ થશે, એમ વિચારીને આજે ને આજે હા કહી નથી."

"અરે વાહ! આ તો ખુબ સરસ સમાચાર છે. ગયા વખતે બબલુ ખુબજ નાનો હતો એથી તારાથી જવાયું નહિ. હવે આ વખતે હા કહી દે. અને હા. હું પણ શારદા અને વિનાયકને કહી દઉં છું કે મારાથી હવે ૩ - ૪ મહિના ક્યાંય નીકળશે નહિ. આમ પણ મારો હાથ હજી સારો થતા ખબર નહિ કેટલા દિવસ જશે."  મમ્મી બોલ્યાં.

અને અનુંનો ઉત્સાહ ફરી મોળો પડી ગયો.

"અરે હા મમ્મી ! તમારું તો શારદામાસી અને વિનાયકમાસા સાથે સિંગાપોર જવાનું નક્કી થયું છે ને ? હું તો ભૂલીજ ગઈ હતી આજે ! અત્યારે ઓફીસમાંથી નીકળતા મને ઈ મેલ મળ્યો અને હું તદ્દન ભૂલી ગઈ !"

અનુની વાત સાંભળી મમ્મી બોલ્યાં " અરે, મારાથી સિંગાપોર તો પછી ગમે ત્યારે જવાશે. અને અત્યારે આમ પણ આ ભાંગેલો હાથ લઇ ક્યાંય જવાની મારી ઈચ્છા નથી. શારદાને ફોન કરી દઉં છું કે મને અત્યારે નહિ ફાવે. અરે, તારું કરિયર મહત્વનું છે દીકરા ! મોજ મજા માટે મારે તો જયારે ફરવું હશે ત્યારે ફરાશે."

અને પછી અનુના ઉતારેલા ચેહેરા  સામે જોઈ , મજાકીયું હસીને મમ્મી બોલ્યાં " વહુ માટે કરવો પડશે તો કરીશ થોડો  ત્યાગ. બિચારી આ સાસુ બીજું શું કરી શકે છે? "

અને સાસુ - વહુ બંને મોકળાશથી હસી પડ્યાં

ડોરબેલ વાગી ને અનુ દરવાજો ખોલવા ઉભી થઇ.ત્યાં ફરીથી બેલ વાગી ને અનુએ   "અરે આવું છું"  કહીને દરવાજો ખોલ્યો.

આનંદ અંદર આવ્યો. 'ખુશખબર! ખુશખબર!" કહેતા આનંદનો ચહેરો આનંદથી મલકાઈ રહ્યો હતો. બબલુ દોડીને દાદીના ખોળામાં બેસી ગયો.

"ખબર છે આજે શું થયું? મારું સિલેકશન એક ચીનના કામ માટે થયું છે. મારે શાંઘાઈ જવું પડશે. ખબર છે ? મારી સાથેના ૪ લોકોમાંથી મારું સિલેકશન થયું છે! તમનેતો ખબર છે ને, અમારી કંપનીમાંથી કોઈને પરદેશ જવાતો ખાસ મોકો મળતો નથી. મને મળ્યો છે એ મારા માટે ખુબ ખાસ વાત છે. કાલેજ મારે વિસા માટે બધા કાગળો કંપનીમાં આપવા પડશે. અને હા અનુ. મારે હવે રોજ થોડું મોડું પણ થશે.  ઘણી તૈયારી કરાવી પડશે ત્યાં જવા પહેલા. કાલે પણ એક મીટીંગ રાખી છે સાંજે - ખબર નહિ ક્યારે ઘરે આવીશ. હવે કાલથી બબલુને તું લઇ આવજે સાંજે. નહિ તર મમ્મી, અનુને પણ મોડું થવાનું હોય તો તું બબલુને બપોર પછી ઘરે લઇ આવજે. "

આનંદ એક શ્વાસે બોલી ગયો.

આનંદ એક ફાર્મા કંપની માં હતો અને અનુ એક સોફ્ટવેર કંપનીમાં.

બબલુ ૨ વર્ષનો હતો.  મમ્મી સ્કૂલમાંથી રીટાયર થયાં હતાં. બબલુને સાચવવામાં એમનો સમય ખુબ આનંદથી પસાર થતો હતો. પણ બ્લડ પ્રેશર અને પગના દુખાવાથી મમ્મી પરેશાન હતાં. એવામાં ૧૫ દિવસ પહેલા પડી ગયા અને હાથમાં ફ્રેકચર થયું હતું. એથી ૨ વર્ષના બબલુને એક બેબી સીટરને ત્યાં રાખવો પડતો હતો.

આનંદ અને અનુ બંને જો એક સાથે બહાર જાય તો બબલુને કઈ રીતે સાચવવો એ એક પ્રશ્ન હતો. આનંદે ઉત્સાહથી એના ચાઇનીઝ પ્રોજેક્ટ ની વાત કરી અને અનુ અને મમ્મી એક બીજા સામે જોવાં લાગ્યાં.

"કોઈ પ્રોબ્લેમ?" આનંદે વારાફરતી બંને તરફ જોઈ પૂછ્યું.

"આનંદ! મને પણ એક પ્રોજેક્ટ માટે જેમ બને એમ જલદી - વિસા મળે એટલે તરત અમેરિકા જવાનો મોકો મળ્યો છે. ૩ મહિના માટે. આવતી કાલે જવાબ આપવાનો છે.  મમ્મીનું  આવતા મહીને સિંગાપોર જવાનું નક્કી થયું છે એ પણ કેન્સલ કરવા તૈયાર થયાં છે. "

એકાદ મિનીટ કોઈ કંઈ બોલી ન શક્યું.

પછી અનુએ મમ્મી સામે અને પછી આનંદ સામે જોઈ જરા હસીને કહ્યું "આનંદ, મારે તો અત્યારે નહિ ને પછી ક્યારે પણ જવું હોય ત્યારે બહાર જવાશે. અને મને બબલુને છોડીને ક્યાંય જવાનો બહું ઉત્સાહ પણ નથી. એ થોડો મોટો થશે ત્યારે મારે જ્યાં જવું હશે ત્યાં જવાશે. પણ તું આ મોકો જવા દઈશ તો તને ફરી ક્યારે બીજો મોકો મળશે કોને ખબર? આ અનુભવ તું જતો નહિ કર. તું કાલથી તારી તૈયારીમાં લાગી જા."

પછી આનંદના અવઢવભર્યા ચેહેરા તરફ અને પછી મમ્મી તરફ જોઈ થોડું તોફાની હસી અનુએ કહ્યું " પતિ-પરમેશ્વર માટે કરવો પડશે થોડો ત્યાગ તો કરીશ હું. બીજું હું અબલાનારી શું કરી શકું છું? "

ખડખડાટ હસતાં મમ્મી અને અનુ સામે હાથ જોડી આનંદ બોલ્યો " અબલા? નારી? કોણ?"

ફરી બેલ વાગી અને અનુ બારણું ખોલવા ઉભી થઇ. બારણું ખોલ્યું તો સામે એક ૯ - ૧૦ વર્ષની નાની છોકરી ઉભી હતી.

"શું જોઈએ છે? " અનુએ પૂછ્યું.

"હું કામે આવી છું. મારી મા બીમાર પડી ગઈ છે એટલે એ કામે નથી આવતી. કાલથી  રોજ સવારે હવે હું કામે આવીશ."

"તું સવારે કેવી રીતે કામે આવીશ?  સ્કુલે નહિ જાય તું? " અનુએ પૂછ્યું.

"સ્કુલમાં નહિ જાઉં હવે. માએ કહ્યું છે કે હવે સ્કુલમાં જઈને શું કરવું છે?  હું કામ કરીશ તોજ બધાને ખાવાનું મળશે. એટલે હવે સ્કુલ બંધ. "

મમ્મીએ પૂછ્યું " તને સ્કુલ નથી ગમતી? અહી બપોરે આવજે - હું વાત કરીશ તારી મા સાથે. સ્કુલ બંધ નહિ કર દીકરી!"

"પણ બીજા પણ કામ છે ને મા નાં. બધાજ કરવા પડશે. મારા ૩ ભાઈઓ છે , બાપુ ઘરે નથી રહેતા, હું કામ નહિ કરું તો મને અને મારા ભાઈઓને ખાવાનું પણ નહિ મળે."

અને એ નાનકી વાસણો ઉટકવા લાગી.

અનુ, આનંદ અને મમ્મી એ નાનકડી છોકરી સામે જોઈ રહ્યાં. બધાના મનમાં જાણે એકજ વિચાર હતો " મારા ભાઈઓ માટે કરવો પડશે, તો કરીશ હું ત્યાગ , બીજું હું શું કરી શકું છું ?"  એવો વિચાર પણ આ નાનકીએ કર્યો હશે ખરો? 

2 comments:

Followers